No products in the cart.

અમે વાદળ બની સાવ ખુલ્લા મને વરસ્યા.
પવન સાથે પવન બની અવનીએ છલક્યા.
કોઈવાર ઝાકળ થઈ પથરાઈ જતા વનેવનમાં,
કોઈવાર સવારના ધુમ્મસમાં જઈ અટક્યા.
દરિયાના પાણીમાં સૂરજ જેમ ઉગીને અસ્ત થઈએ,
નીજ તમસમાં સ્વપ્નો બની આંખે વળગ્યા.
અમે ઝરણાઓમાં ટીપું ટીપું રમત પણ રમતા,
પરપોટામાં દૂર દૂર ખીણ વચ્ચે ક્યાંક ફરક્યા.
પથ્થરો બની પહાડોમાં સ્તબ્ધ ને મૂક સાવ અટુલા,
એક પછી એક કોતરો, રસ્તાને વહેણમાં ભટક્યા.
ઈશ્વર સાથે રોજ વાતો ચાલતી, એમ પૂછી બેસતા,
અમે ભટકતા વાદળો તોયે તમે કેમ મલક્યા ?
ભૂષિત શુક્લ