
બે માણસો એ હૃદયથી એકબીજાને ચાહવાનું શરૂ કરવું એટલે પરસ્પર દિલથી એકબીજાનાં દિલમાં હળવું ભળવું અને એક સહિયારી સમજથી પરસ્પર એક બીજામાં વિશ્વાસનું કેળવવું .હવે જ્યારે આ ભાવનામાં થોડી ઘણી ઉણપ આવે અને ઝંખનાનો વધારો થાય છે ત્યારે શંકાનો જન્મ થાય છે.
જ્યારે શંકાના બીજ રોપાય છે ત્યારે સ્પષ્ટ દીવા જેવી વસ્તુઓ પણ ઝાંખી દેખાય છે. ઘણું બધું મેળવવા છતાં પણ માણસને સંતોષ ના થાય ત્યારે એની આ સતત ઝંખનાનો અસંતોષ એક કીડો બનીને શંકા તરફ દોરી જાય છે . અને આ શંકાનો કીડો ધીમે ધીમે માણસની અંદર રહેલા પ્રેમ, વિશ્વાસ, ને કોતરી ખાય છે.
પરિણામ સ્વરૂપે દુ:ખ, ક્લેશ, કજિયા કે કકળાટ . નાના મોટા કડવા ઝઘડાઓ શરૂ થઈ જાય છે. આપણને જ્યારે કોઇ વ્યક્તિ પોતાનું ગણીને આદર સાથે માનસન્માન અને પ્રેમ આપે છે ત્યારે તે આપણને ગમે છે, માટે આપણે પણ એને એટલો જ પ્રેમ અને માનસન્માન આપીએ છીએ અને કેટલેક અંશે અધિકાર પણ આપી દઈએ છીએ. આજ અધિકાર આગળ જતાં આપણી ઉપર પ્રભુત્વ વધારીને આપણાં વિચારો ઉપર હાવી થઈ જાય છે ત્યારે એક અણગમતી પરિસ્થિતિ ઊભી થાય છે અને આપણાં મનોબળનાં પાયાને હચમચાવી નાખે છે અને એમાંથી જ એક શંકા નામનાં છોડને અનાયાસે જ ખાતર પાણી મળી જાય છે.
જ્યાં સુધી કોઇ બીજા માટે નિર્દોષ લાગણી હોય ત્યાં સુધી વાંધો નથી આવતો પણ લાગણીમાં થોડે વત્તે અંશે માગણીઓ ઉમેરાય છે ત્યારે બંધનનો ભાવ વધે છે . અને જે આપણી પાસે છે તેને આપણી જ કરીને રાખવાનાં મોહમાં આપણી પાસે જકડીને રાખીએ છીએ. ખોવાનાં ડરે એનો ભાવ ખોઈ બેસીએ છીએ .મૂળ ભાવના કે લાગણીઓ ને જીવંત રાખવાની ભાવનાને અવિશ્વાસની ભીંસ આપીને વિશ્વાસનાં કોમળ છોડને ખીલતાં પહેલાં જ ચીમળાયેલા ફૂલ જેવો બનાવી દઈએ છીએ.
આપણે જાણીએ છીએ કે ઋણાનુબંધની બહાર કશું થવાનું નથી. જે આપણું છે એ ક્યાંય નથી જવાનું …છતાંય શંકા નામની ડાકણ જ્યારે માનવ મન ઉપર વારંવાર ટકોરા મારતી રહે છે ત્યારે માણસમાં એક કાલ્પનિક ભય ઊભો થાય છે માણસનાં મીઠાં સંબંધોમાં ઝેર ભેળવાઈ જાય છે.
દીપિકા ચાવડા ” તાપસી “